વિદ્યાર્થિનીઓનું વિષય સંબંધી જ્ઞાન વિકસે અને પોતાની અભિવ્યકિત કરી શકે એ માટે કોઈપણ એક પ્રસંગ પર પોતાની અભિવ્યકિત કરવાની હોય છે જેથી રોજબરોજની ઘટનાઓ વિશે સૌ સભાન રહે. દરેક વિદ્યાર્થિની નિરોગી રહે એ માટે દર શનિવારે સમૂહ કવાયત સાથે સૂર્યનમસ્કાર પણ કરાવવામાં આવે છે. સાથે પ્રાણાયામ યોગ શિબિરનું આયોજન કરવામાં આવે છે જે વિદ્યાર્થિનીઓને સ્વસ્થ તેમજ નિરોગી રાખે છે અને અભ્યાસમાં એકાગ્રતા કેળવવામાં મદદ કરે છે.
પુસ્તક સિવાય બીજું જ્ઞાન મેળવે એ માટે વિવિધ પરીક્ષાઓ શાળા દ્વારા અપાવવામાં આવે છે. જેમાં પ્રખરતા શોધ કસોટી, સંસ્કૃત જ્ઞાન, માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા, ગાંધી જીવન ઝાંખી, ચિત્રની એલીમેન્ટરી, રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત પરિચય પરીક્ષા વગેરે પરીક્ષાઓ અપાવવામાં આવે છે. છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી દીકરીઓને માત્ર પુસ્તકીયું જ્ઞાન ન આપતાં તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિ તેમજ અભ્યાસ બાદ તેમના જીવનમાં ઉપયોગી થાય તેવી પ્રવૃતિઓ શીખવવામાં આવે છે. તદુપરાંત આજના ટેક્નૉલૉજી યુગમાં જેની ખાસ જરૂર છે તે કમ્પ્યૂટર શિક્ષણ પણ આપવામાં આવે છે.