શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મેડીકલ & ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે અને આજે ૮૦૦ દીકરીઓને શિક્ષણ આપવાની સાથે સાથે તેમાં ઉચ્ચ અભ્યાસ માટે મહિલા કોલેજનું નિર્માણ થયું છે જ્યાં ૫૦૦ દીકરીઓ અભ્યાસ કરે છે તે ખૂબ આનંદની વાત છે.
“સમાજના અનેક સામાજિક રોગો માટે કન્યા કેળવણી ઔષધ સમાન છે”.
આજ રોજ શિક્ષણનો વ્યાપ વધતો જાય છે અને સમાજ શિક્ષણ થકી જ સ્વસ્થ બને છે. આજના સાંપ્રત સમયમાં જ્યારે શિક્ષણની જરૂરિયાત વધતી જાય છે ત્યારે દીકરીઓમાં આંતરિક શક્તિઓના વિકાસની ક્ષિતિજો વિસ્તરતી જાય છે. એવા સમયે ભુજ મંદિર ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ, ગુરૂકુળોના નિર્માણ કરી સત્સંગ અને સમાજની મોટી સેવા કરે છે. આ પ્રવૃત્તિના પાયામાં ભુજ મંદિરનાં વડીલ સંતોની દિર્ધદ્રષ્ટિ રહેલી છે.
આજના યુવાનો-યુવતીઓમાં વિશાળ ગગનને આંબવાની મંશા છે, ઈચ્છા છે અને તેઓમાં અપાર શક્તિઓ રહેલી છે તેઓને શૈક્ષણિક ચીલો મળે, તેમનો વિકાસ થાય તેવો આપણો ધ્યેય છે અને તે સંદર્ભમાં અમારા અંતરના આશિષ તથા શુભકામના છે.
આપની આ સંસ્થા દ્વારા દીકરીઓને ઘર આંગણે શિક્ષણ મળે તેમજ સંસ્કાર અને સત્સંગની પરંપરાનું સિંચન થાય તેવી ઉચ્ચ ભાવના સાથે અમારા અંતરનાં રૂડા આશીર્વાદ અને આપણા આ કાર્યમાં પૂર્ણ પુરૂષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સદાય સાથે રહી અમીકૃપા વરસાવતા રહે એવી અંતરની લાગણી સહ ભગવાનના ચરણોમાં વંદન સહ પ્રાર્થના.