માનવ માત્ર આગળ વધવા માંગે છે. પ્રગતિ માટેનો શ્રેષ્ઠ માર્ગ છે શિક્ષણ. કોઈ પણ રાષ્ટ્ર કે સમાજ શિક્ષણથી જ બદલાતા જતા પ્રવાહને પકડી શકે. વળી ભવિષ્યમાં આવનારા પડકારોને પામી શકે. આવનારા પડકારોને પલટવા શિક્ષણ જ સમાજ કે રાષ્ટ્રને સજજ કરી શકે. શિક્ષિત સમાજ અને વ્યકિત વિકાસ જ પ્રગતિની આધારશિલા બની રહે છે.
ઇષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું છે અને વિદ્યાનો ફેલાવો કરવાનો આદેશ આપ્યો છે. ભગવાનના આ આદેશનું શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના પ્રવર્તમાન તથા પ.પૂ. મહંત સ્વામીશ્રી, વરિષ્ઠ સંતો, તમામ વહીવટકર્તાઓ, ટ્રસ્ટીઓ વગેરે અક્ષરશ: પાલન કર્યું છે. આપણી સત્સંગી દીકરીઓ શિક્ષણથી વંચિત રહેશે તો સત્સંગનો પાયો નબળો પડશે.
'' મળશે જયાં દીકરીને ભણતર થશે ત્યાં દિકરીનું જીવન ઉજજવળ.''
એ વિચારે આપણા સૌ સંતોની એવી લાગણી હતી કે સત્સંગીઓની દીકરીઓ માટે ગુરૂકુળની સ્થાપના કરવી. આ વિચારનો બીજ આજે મૂર્તિમંત થયો છે અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં પ્રથમવાર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની સ્થાપના કરી સંપ્રદાયમાં એક સ્તુત્ય પગલાની શરૂઆત થઈ છે. શાળા ત્યારે જ વિદ્યામંદિર બની શકે જયારે વિદ્યાર્થિ, વાલી અને સમાજ શાળાને શિક્ષણ માટેની સાધનાભૂમિ બનાવે. જયાં નિયમિતતા, પવિત્રતા અને જ્ઞાનપિપાસાની સરવાણી વહેતી હોય.શિક્ષણ એક સાંસ્કૃતિક પરિબળ છે. શિક્ષણ સ્ત્રીઓનો સામાજીક, માનસિક, નૈતિક, વ્યવહારિક અને આર્થિક સ્તરને ઊંચું લાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે. શિક્ષણને લીધે જ પારિવારિક સ્તર ઊંચું આવે છે માટે જ સ્ત્રીશિક્ષણ અતિશય જરૂરી છે. જો બીજ ઉત્તમ ના હોય તો સર્જન કયાંથી ઉત્તમ થાય? આ સ્ત્રીઓ એમની ક્ષમતા સાથે પ્રગતિ કરવાની જવાબદારી જો કોઈ ઉઠાવી શકે તો કેવલ શિક્ષિત મહિલાઓ જ. આમ તે સ્ત્રીઓને આગળ લાવશે જ. સાથે સાથે સમાજ અને રાષ્ટ્ર માટે એક મજબૂત આધારસ્તંભ ઊભો કરશે. રાષ્ટ્રનું યશ, સૌભાગ્ય અને લક્ષ્મી પણ તે જ છે. જે દેશ અનેક જાતિમાં પૂજય સ્થાને છે તે દેશ અને જાતિ ગૌરવ પ્રાપ્ત કરે છે અને આવું ગૌરવ શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરના ઉચ્ચકોટિના કામોથી મળશે.
પ્રત્યેક પરિવારે પોતાની વ્હાલસોયી દીકરીને ભણાવવા માટે સમાજમાં આગળ આવવું જોઈએ. શિક્ષણથી અને સદ્દવિચારથી વ્યકિત સંસ્કારી બને ત્યારે એ કેટલાય માટે ઉપકારક બને છે.
વાસ્તવિક જીવનમાં પ્રત્યેક મહાન કાર્યનો આરંભ શ્રધ્ધા અને આત્મવિશ્વાસથી થાય છે અને એનાથી જ પ્રગતિનું પહેલું પગલું મંડાય છે. એમાંય જો શિક્ષણ સાથે સંસ્કારનું ભાથું હોય તો જીવનની મુસાફરી વધુ સાર્થક બને છે.