શાળા એટલે એવી દિવ્ય જ્ઞાનભુમિ જયાં સંસ્કાર, સૌરભ અને જ્ઞાનગંગા વહે. જે જીવન જીવવા માટેની દિવ્યઔષધિઓ તૈયાર કરતું ઉપવન અને આવા જ દિવ્યઔષધિઓ તૈયાર કરતાં ઉપવનમાં નાના સુંદર - સુગંધિત ફુલો ખીલીને એક મધમધતુ જીવન તૈયાર કરતી તીર્થભૂમિ એટલે શાળા. શિક્ષણ એ જીવનના દરેક ક્ષેત્રને સ્પર્શતો વિષય છે. સમાજ, રાષ્ટ્ર કે વિશ્વની કોઈ પણ વ્યકિત શિક્ષણથી અલિપ્ત રહી શકે તેમ નથી. શિક્ષણ જીવન જેટલું જ વિશાળ અને ઊંડાણ ધરાવે છે. શિક્ષણ એ માત્ર વૈધિક શિક્ષણ પૂરતું સીમિત રહયું નથી. તે તો ગર્ભાધાનથી મૃત્યુ પર્યંતની પ્રક્રિયા છે. દિવ્ય જ્ઞાનરૂપી વિચારને હકીકતમાં ફેરવતું સ્વપ્ન એટલે 'શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર.' જે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા સ્થપાયેલ પ્રથમ કન્યા શાળા છે. આ શાળા જૂન ર૦૦૬થી ધો.૮ના એક વર્ગમાં કુલ 68 વિદ્યાર્થીનીઓ અને ત્રણ શિક્ષિકા બહેનોથી શરૂ કરવામાં આવી છે.
'' મનુષ્ય શરીરમાં અને આત્મામાં જે શ્રેષ્ઠ છે તેને બહાર લાવવું તેનું નામ શિક્ષણ.''
'' પ્રવૃતિ ક્રિયા-ઉદ્યોગ-કાર્યાનુભવ-સર્જન દ્વારા શિક્ષણ..........''
વાસ્તવિક જીવનમાં પ્રત્યેક મહાન કાર્યનો આરંભ શ્રધ્ધા અને આત્મવિશ્વાસથી થાય છે અને એનાથી જ પ્રગતિનું પહેલું પગલું મંડાય છે. એમાંય જો શિક્ષણ સાથે સંસ્કારનું ભાથું હોય તો જીવનની મુસાફરી વધુ સાર્થક બને છે. જેમ તોફાની બનેલા સાગર વચ્ચે ઝોલા ખાતી હોડી તેના સ્થિર નાવિકથી જ રક્ષાયેલી હોય છે. તેમ વર્તમાન સમયે હીન વિચારોના આક્રમણ વચ્ચે કન્યાઓના મન, વચન અને કર્મોને ઊધ્વગતિ પ્રદાન કરવા કન્યા વિદ્યામંદિરનું સંચાલન અગત્યનો ભાગ ભજવે છે. કોઈ પણ સંસ્થાની સફળતા તેના પારદર્શી સંચાલક મંડળ પર અવલંબે છે.
''શાળા ત્યારે જ વિદ્યામંદિર બની શકે જયારે વિદ્યાર્થિ, વાલી અને સમાજ સહુ શાળાને શિક્ષણ માટેની સાધનાભૂમિ બનાવે. જયાં નિયમિતતા, પવિત્રતા અને જ્ઞાનપિપાસાની સરવાણી વહેતી હોય.''
શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આજ દિન સુધી માત્ર દિકરાઓ માટે જ ગુરૂકુળની રચના થઈ છે, પરંતુ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સૌપ્રથમ દીકરીઓ માટે છાત્રાલયની સ્થાપના કરી દીકરીઓમાં સંસ્કાર સિંચન કરવાની પવિત્ર શરૂઆત કરી છે. તે કન્યા શિક્ષણના ક્ષેત્રમાં બહુ મોટી ક્રાંતિકારી પહેલ છે. જે માત્ર કન્યાઓના જીવનને જ નહિ પરંતુ સમગ્ર સમાજને નવી દિશા આપશે. 'સરસ મજાની જિંદગી એ છે જેમાં જ્ઞાનરૂપી માર્ગદર્શન હોય અને પ્રેમની પ્રેરણા હોય.' આવા જ જ્ઞાનરૂપી માર્ગદર્શન અને વહાલનું સમન્વય એટલે શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર.